ઈ.પુ ૧૦૧૩
મકતુપુર ગામના ઇતિહાસના મૂળ ખુબ ઊંડા છે. આ ગામ પ્રાચીન સમયનું ગામ હોય તેમ જણાઈ આવે છે. જુનું ગામ દટાઈ ગયેલુ છે. ગામની ઉત્તરે આવેલા ગૌચરમાંથી દોઢથી બે ફૂટની સમચોરસ ઈટો મળી આવેલ છે. ત્યાં મકતુપુર ગામ પહેલા હતું તેમ લોકોનું માનવું છે. ગામના પ્રસંગોપાત્ત ખોદકામ કરતા જુના વખતના રમકડાના નમુના , ચાંદીના કે પંચધાતુના સિક્કા, માટીની લગભગ ૧૧ થી ૧૨ ફૂટ ઉંચી કોઠીઓ, કોસાની દસ દસ થાળીઓના થોક વીગેરે મળી આવેલ છે.
આ ઉપરાંત ગામમાં ખોદકામ દરમ્યાન શિલાલેખ મળી આવેલ છે. તે સવા ફૂટ પહોળો અને પોણા બે ફૂટ લાંબો છે. આ પથ્થર ઉપરનું લખાણ દેવનાગરી લિપિમાં લખેલ છે. તે લખાણ સ્પષ્ટપણે વંચાય છે. તેમાં લખેલું લખાણ આ પ્રમાણે છે.
“सवंत १ १०४२ जैन महिरपुर वणिक मंदिर” આ શિલાલેખનો નીચેનો ભાગ તૂટી ગયેલ છે, તેથી નીચેના ભાગના લખાણવાળો ટુકડો મળતો નથી. તેથી વિશેષ માહિતી મળતી નથી. આ પથ્થરમાં ઉપરના ભાગ ઉપર ગાયને ધાવતા વાછરડાની કોતરણી છે અને એક ભાગ ઉપર સૂર્ય છે.
આ પથ્થર મંદિરના ખાતમુર્હત વખતે કોતરીને મુક્યો હોય અગર તો મંદિર પૂર્ણ થયા બાદ લખાણ લખીને મુકાયો હોય તેમ અનુમાન કરી શકાય. આ ઉપરાંત મકતુપુર ગામમાંથી મહાવીર ભગવાનની અખંડિત મૂર્તિ મળી આવેલ છે. તે પોણા બે ફૂટ ઉંચી અને એક ફૂટ પહોળી છે. તેમજ બૌધ્ધ ભગવાનના મસ્તકનો ભાગ મળી આવેલ છે. ગામમાં હાલ વાણીયા નથી પણ મહાવીરની મૂર્તિઓ, ભગવાન બૌધ્ધની પ્રતિમાનું ખંડિત મસ્તક, શિલાલેખનું લખાણ, આ બધા ઉલ્લેખ ઉપરથી એમ અનુમાન બાંધી શકાય છે કે, આ ગામમાં કોઈ કાળે જૈન વાણીયાઓની બોલબાલા હશે.
સવંત ૧૦૪૩ માં મકતુપુર ગામનું નામ મહીરપુર હતું એમ આ શિલાલેખ ઉપરથી પ્રકાશ પડે છે. કદાચ તર્કદ્રષ્ટીએ આ ગામનું નામ મહીરપુર – મહાવીર ભગવાનના નામ ઉપરથી “ મહાવીરપુર” ને ટૂંકાવીને “મહીરપુર” થયું હોય, જૈન વણિકોએ પાડેલું હશે. જેથી બૌદ્ધ ધર્મ પાળનાર લોકો પણ હશે.
સીતારામભાઈ બારોટના ચોપડે મળતી માહિતીના આધારે સવંત ૧૦૧૩, મહા સુદ બીજના મંગળવારના દિવસે મકતુપુર ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું, આ ગામનું તોરણ બાંધનાર પાટીદાર ધરમસિંહદાસ વસાદાસ હતા. તે વખતે આ ગામમાં ૯૦૦ નાડીનું જૂથ હતું, ૯૪ કુવા હતા, ૧૬ સરકારી ચોરા હતા, તે વખતે પાટીદાર , વાણીયા, રાજપૂત, કંસારા , હુબડ, નાગર, સિપાઈ, ધોબી, ઘાંચી, સુથાર, દરજી, આંજણા, મોચી, રબારી, ભેમાત, અને વોરા આ ગામમાં હતા.
આ ગામના પ્રથમ પાટીદાર વંશજો ઉજૈન, કાશી, અને અયોધ્યાથી અણહિલપુર પાટણમાં જઈ સવંત ૯૧૧ માં સિદ્ધપુર તાલુકાના ઉપેરા ગામમાં ગયેલા, ઉપેરામાં પટેલ ધરમસિંહદાસ ખળું જોખતા હતા ત્યારે ઝગડો થતા સાત માણસોને મારીને તેઓ નાસીને મકતુપુર ગામે આવીને રહેલા.
સવંત ૧૨૧૫ માં પટેલ જાંજણભાઈએ મકતુપુરમાં વાવ ખોદાવી હતી. વાવ ખોદાવવાનો કુલ ખર્ચ ૪૦૦૦/- થયેલ હતો. આ વાવનું પાણી મારકણું મનાતું હતું. તેથી વાવનું નામ “શુરાતણીઆ વાવ” પાડવામાં આવ્યું હતું. આ વાવનું પાણી પીનારને શુર ચડતું અને તે ઝગડો કરતા હતા. આ કારણે આ વાવ સવંત ૧૪૩૯ માં દાટી દેવામાં આવી. આ વાવ ૧૩ હાથ જમીનમાં દાટેલી છે. આ માહિતી આજે પણ બારોટના ચોપડા ઉપર નોધાયેલી મળેલ છે. તેમજ વાવ વિશેની લોકવાયકા આજે પણ ગામમાં સાંભાળવા મળે છે.
લગભગ ૧૫૦ વર્ષ પહેલા લોકો (પાટીદાર) ઘરે રેટીઓ કે ચરખો રાખતા હતા. ઘરે કાંતતા હતા, કાંતેલું સુતર વણકરને આપતા, તે વણી આપતા અને તે કાપડ તેઓ પહેરતા હતા. તે સમયના લોકો વધુ કરકસરીયા, મહેનતુ અને સશક્ત હતા. ગામમાં હાલમાં જે કડવા પાટીદારો છે તે નવા છે, લગભગ ૧૫૦ વર્ષ પહેલા આવીને વસેલા છે. પહેલા પણ કડવા પાટીદારો હતા, તેઓ પાંચોટીયા તરીકે ઓળખાતા હતા. તેઓ મકતુપુર છોડીને ચાલ્યા ગયેલા, તેમની સાથે ગામ છોડનાર હવાણા અને ઓજણા પણ હતા. ત્યારબાદ લેઉવા કુટુંબ નવેરીયા, ગવાડીયા, જેરતિયા અને વાલી શાખાથી ઓળખાતા પાટીદારો મકતુપુરમાં આવીને વસ્યા હતા મુસ્લિમ અને રબારી કોમ મૂળ જુના વખતથી મકતુપુરમાં હતી. ગામની સ્થાપના વખતથી જ તેઓ મકતુપુરમાં છે. જયારે કુંભાર, દરજી, રાવળ, વિગેરેને બહારથી બોલાવી વસાવેલ છે. નવીન આવનાર કડવા પાટીદારોમાં તારવોત, મોખાત, ગોઠી, પરાસળા, ભાંમોટ, તરોગડી વિગેરે શાખાના પાટીદારોનો સમાવેશ થાય છે.
સને ૨૦૧૮
અમદાવાદના રિવરફ્રન્ટની યાદ અપાવી જાય તેવું અને જાણે પ્રકૃતિની ગોદમાં જ આકાર લીધો હોય ને અનેક વિશિષ્ટતાઓ ધરાવતું દાર્શનિક દત્તસરોવર પણ આવેલું છે. જેમાં દત્ત ભગવાનનું મંદિર ગામ લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.આજુબાજુના ગામડા અને શહેરોના લોકો તેની મુલાકાતે આવે છે. ફોટોગ્રાફી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દત્ત સરોવરની વાત કરીએ તો ગામના અગ્રગણ્ય ઉદ્યોગપતિ માનનીય શ્રી રમેશભાઈ હીરાભાઈ પટેલ પરિવાર, અજય ઇન્ફ્રાસ્ટ્રકચર પોતાના મોભીના સ્મરણાર્થે ખરા અર્થમાં શ્રાદ્ધ કરનાર અને ગામના જનહિતાય માટે છ કરોડ રૂપિયાના ખર્ચે ગામનું જ તળાવ વિકસાવેલ છે. સામાન્ય રીતે તળાવનું સમારકામ સરકાર શ્રી તરફથી થાય છે, પરંતુ આ પરિવારે પોતાના ગામ પ્રત્યેના લગાવ અને આત્મીયતાને લઈને તળાવને ડેવલોપ કરવાનું શરૂ કર્યું. તળાવનું નામાભિધાન તેમના પરમ પૂજ્ય પિતાશ્રી હીરાભાઈ સરોવરના નામ પર આપવામાં આવ્યું. તળાવની આસપાસ 5000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. બાળકો માટે ક્રિડાંગણ, ગામલોકો માટે પુસ્તકાલય, ગામનાલોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દત્ત મંદિર, જીમ, અજય ગોલ્ડન બ્રિજ, પંખીઘર વગેરે પણ અહીં દાતાશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ દત્ત સરોવર બનાવ્યું એટલું જ પૂરતું નથી પણ તેના મેન્ટેનન્સ માટે દાતાશ્રી માસિક ૧૦૦૦૦૦ થી વધુ ખર્ચે સતત દત્ત સરોવરનું પાલનપોષણ કરતા રહેલા છે તથા તળાવનું સંપૂર્ણ વીજળીકરણ તથા લાઈટબીલ ગ્રામ પંચાયત દ્વારા નિભાવણી કરવામાં આવે છે. બહારથી પણ દૂર દૂરથી ઘણા લોકો અને ઘણી સ્કૂલોના બાળકો અહીં આવીને તેને પિકનિક પ્લેસ બનાવી દીધું છે.
સને ૨૦૧૮
મકતુપુર ગામના દાતાશ્રી દ્વારા રૂપિયા ૮૦,૦૦૦,૦૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયતની માલિકીની જમીન પર એક ભવ્ય બે માળનો કમ્યુનિટી હૉલનું નિર્માણ કરી ગ્રામ પંચાયતને સુપ્રત કરેલ છે. જેમાં ગામના દરેક સમુદાય સારું અનેકો નાનામોટા પ્રસંગો જેવાકે લગ્ન, બેસણું, ગ્રામસભા, ગામની અન્ય નાનીમોટી સભાઓ તેમજ આરોગ્ય લક્ષી કેમ્પ, વી માટે ખૂબ જ ઉપયોગી રહે છે. જેથી તમામ ગ્રામજનોને પ્રસંગોપાત તથા અન્ય બાબતે પડતી સમસ્યાઓનું નિરાકરણ આવી ગયેલ છે.
સને ૨૦૨૨
તા.3/8/22ના રોજ પુનઃનિર્માણ પામેલા અમારા ગામનું ગ્રામસચિવાલય.. એવું જ લાગે કે મકતુપુર ગામના આંગણે જાણે કે વિધાનસભાનું સચિવાલય નહીં પણ દેશનું આખેઆખું સંસદભવન જ ઊભું હોય.. ઘડપણની લાકડી તથા અબાલવૃદ્ધ સૌનું એ તાજગી અને સુગંધ પ્રસરાવતું મઘમઘતું ઉપવન સમાન ફિઝિયોથેરાપી સેન્ટર પણ આપ સૌને અહીં જ જોવા મળે. ગામે ગામના દાતાશ્રી, સરપંચશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઊંઝાની ઉપસ્થિતિમાં નવીન ગ્રામ પંચાયત ઘર તથા ફીજીઓથેરાપી સેન્ટરનું ખાતમુર્હત કરવામાં આવેલ. . ગ્રામ પંચાયત નો તમામ રેકર્ડ કોમ્પુટરરાઈઝ કરેલ છે તથા યોગ્ય રીતે તમામ રેકર્ડની જાળવણી કરેલ છે. ગામના દાતાશ્રીઓ દ્વારા અનુદાન એકત્રીક કરી ગામે દરેક જાહેર રસ્તા, સંસ્થાઓ તથા ચોકમાં ૩૧જેટલા આઈ. પી સી સી ટીવી કેમેરા લગાવામાં આવ્યા. જે દાતાશ્રીઓના સહયોગથી લગાવવામાં આવ્યા છે. તેમજ અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા ગામના તમામ વિસ્તારો સુધી અગત્યની સૂચના ખૂબ જ સરળતાથી પહોંચાડવામાં આવે છે. ગ્રામ પંચાયત ઉપર સોલાર પેનલ દ્વારા ઇલેક્ટ્રિસિટી ની બચત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતનો ટોટલ રેકોર્ડ ડીઝીટલાઈઝેશન કરી વહીવટ ઓનલાઇન કરવામાં આવે છે.
‘આયુર્વેદોમૃતાનમ જીવેત શરદ શતમ’... ઉક્તિ અનુસાર અમારા ગામનું સરકારી આયુર્વેદિક દવાખાનામાં આયુર્વેદિક પદ્ધતિથી જ દર્દીને તપાસીને સિર્ફ આયુર્વેદિક જ સારવાર આપવામાં આવે છે. તથા રોગનુસાર આહારવિહારનું સુચારુ માર્ગદર્શન આપવામાં આવે છે. સ્વસ્થ રહેવાની દિનચર્યા, ઋતુચર્યા આહારવિહાર, સીનીયર સીટીઝનને જે રીયાટરીક સારવાર વ્યક્તિના શરીરની પ્રકૃતિથી જ્ઞાત બનીને આહારવિહારનું માર્ગદર્શન કરવામાં આવે છે. ઝીરોથી પાંચ વર્ષના બાળકોને શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થાય તે માટે પુષ્યનક્ષત્રના દિવસે બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા પણ પીવડાવવામાં આવે છે.અમારા આયુર્વેદિક દવાખાનાનું સૂત્ર છે કે રોગી તરીકે નહીં અને નિરોગી રહેવા માટે અમારા દવાખાને આપનું હાર્દિક સ્વાગત છે..
સને ૨૦૦૮
સૂર્યોદયના સોનેરી કિરણોના સ્પર્શ સાથે મકતુપુર ગામની ગાથા આજે અહીં વિસ્તૃત શબ્દોમાં વર્ણવી રહ્યા છીએ ત્યારે ગામના સરપંચ શ્રી, ઉદ્યોગપતિઓ, ગામના અગ્રગણ્ય વેપારીઓ, તથા અન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં પુરા ખંત અને ઉત્સાહથી તા. 22/4/07 ના રોજ સ્કૂલના નવીન મકાનના પાયાના ચણતરની શરૂઆત દાતાશ્રી કલ્પેશભાઈ રમેશભાઈ પટેલના વરદ હસ્તે પુરા ખંત અને ઉત્સાહથી જીસીબીથી ભૂકંપ પ્રુફ મજબૂત ચણતરની શરૂઆત કરી. એમાં પણ ગામલોકોના પુરા માર્ગદર્શન અને સલાહ પ્રમાણે જ બાંધકામ કર્યું અને તારીખ 3/8/08 સુધી એટલે કે 100 દિવસની અંદર તો નવીન શાળાનું બે માળનું ભવ્ય બિલ્ડીંગનું નામાભિધાન કરીને મહાનુભવોની ઉપસ્થિતિમાં જેવા કે માનનીય ઉદ્યોગપતિ શ્રી કરસનભાઈ પટેલ નિરમાવાળા, શિક્ષણમંત્રી શ્રી રમણભાઈ વોરા, આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસ સાહેબ, ગામના જ વતની પણ કાંકરેજના ધારાસભ્ય શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ, કલેક્ટર શ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ જોશી સાહેબ, ધારાસભ્ય શ્રી અનિલભાઈ પટેલ સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં શાળાનું નવીન મકાન ગામને અર્પણ પણ કરી દીધું. દાતાશ્રીનું ખમીરવતુ અને ગૌરવલક્ષી કાર્ય ખરેખર સરાહનીય અને અભિનંદનનીય છે. એટલું જ નહીં પણ આજુબાજુના ગામના લોકો પણ શાળાનું મકાન જોવા માટે આવતા અને આવી અનુપમ શાળા જોઈ ધન્યતા અનુભવતા.
પટેલ હીરાભાઈ અમથારામ પરિવાર મકતુપુર પ્રાથમિક શાળા નં-1 ને ૨૦૨૨/૨૩ નો જિલ્લા કક્ષાનો સ્વચ્છતા એવોર્ડ મળેલ છે.
સને ૧૯૯૧
પુસ્તકાલય એ જ્ઞાનની પરબ છે એ યુક્તિને સાર્થક કરતું પુસ્તકાલય મકતુપુરમાં આવેલું છે.
આ પુસ્તકાલયને 1997 /98 માં રાજ્ય પારિતોષિક મળેલ છે. મકતુપુર ગામની સાર્વજનિક ગ્રંથાલય ભવનની સ્થાપના 28/02/1991માં થઈ હતી. તેમાં લગભગ કુલ 22,354 જેવા પુસ્તકો છે. જેમાં જે.ટી. પટેલ પુસ્તકાલયમાં 11543 પુસ્તકો છે, મહિલા પુસ્તકાલયમાં 3990 જેટલા પુસ્તકો છે અને જે. જે. દેસાઈ બાળ પુસ્તકાલયમાં 6821 જેટલા પુસ્તકો છે.